29 માર્ચ, 2012

"અમે અમારું અજવાળું....."

                      "અમે અમારું અજવાળું....."

નથી સુરજની માફક બળતા,નથી ચંદ્રમાં થઈને ઠરતા,
                              અમે અમારું અજવાળું લઇ ફરતા,
                             
અમે અમારું અજવાળું લઇ ફરતા......,
અંધારાને બથમાં લઇને ,સુતીછે એક રાત મજાની,
ખાલીપો થઇ દરવાજા પર,લટકી રહી છે જાત હવાની,
                             સપના થઈને માણસ પણ તરફડતા...,
                            
અમે અમારું અજવાળું લઇ ફરતા........,
અમે અમારા પડછાયા પણ, માપોમાપ બનાવી લેશું,
તમે અમારા ઈશ્વર છો? તો તમને પણ સમજાવી લેશું!,
                             શ્રદ્ધા,શંકા નથી કદાપી નડતા........,
                           
અમે અમારું અજવાળું લઇ ફરતા.....,
દરિયા વચ્ચે મોજા
થાશું,પહાડ વચ્ચે ઝરણા થાશું ,
નદીઓ માટે વાદળ
થાશું,રણ વચોવચ હરણાં થાશું ,
                           ઊંડી ખાણે મોતી થઇ ઝગમગતા......,
                          
અમે અમારું અજવાળું લઇ ફરતા......,
અમે અમારા અજવાળાને,શબ્દો સમજી વાવ્યા છે,
એજ તમારી સામે આજે,ગીત બનીને આવ્યા છે .
                        અમે હંમેશા કાગળ પર ઝળહળતા......,છે
                       
અમે અમારું અજવાળું લઇ ફરતા........,
                                         

                                                      - મુસ્તુખાન.કે."સુખ"

----


"વૃક્ષ કર્મ "

"વૃક્ષ કર્મ "

પથ્થરો ખાઈને હસતુ હોય છે,
વૃક્ષ એનું કર્મ કરતુ હોય છે.

કોણ એની ભાવના સમજે અહી.
લાગણી માટે તડપતુ હોય છે,

પાન ખરવું કે નવી કુંપળ ફૂટે,
એ સમય સાથે બદલતું હોય છે.

ડાળ સુક્કી જોઈ ને સમજી ગયો,
જાડતો સાચ્ચેજ રડતું હોય છે.

એ ભલેને હાથ જોડી ના શકે!,
ધર્મ એનો એ સમજતું હોય છે.

કોઈ એના થડ ઉપર જો ઘા કરે,
છાયડો આપીને મરતુ હોય છે.

- મુસ્તુખાન .કે ."સુખ"

27 માર્ચ, 2012

                      ગઝલ 

આવવાનું કે જવાનું મીણથી પથ્થર સુધી,
રાત દિવસ દોડવાનું મીણથી પથ્થર સુધી.

વાત મારા હું પણાની એટલે કે'તો નથી ,
એક પાનું ફાડવાનું મીણથી પથ્થર સુધી.

કોઈ સમજાવે મને કે કોઈ સળગાવે મને,
છે બધાને ચાહવાનું મીણથી પથ્થર સુધી.

કોઈ માણસ ગર્વ પૂર્વક તંગ થાશે જો અહી,
તાર માફક તૂટવાનું  મીણથી પથ્થર સુધી.

છે ઈબાદત આ ગઝલના શેર માં સાહેબજી,
રોજ એને પૂજવાનું મીણથી પથ્થર સુધી.
                  - મુસ્તુખાન .કે ."સુખ"